Saturday, 26 September 2009

બળતરાનાં બીજ -હિમાંશી શેલત


આજની જેમ તે દિવસેય ખૂબ વરસાદ હતો. પાણી ભરેલાં તસતસતાં વાદળ સવારથી એકઠાં થવા માંડેલાં. પછી તો આખે આખાં ઘર તણાઇ જાય એવા જોરદાર પવન સાથે પાણી તૂટી પડેલું. સાંબેલાધાર વરસાદના મારથી બચવા ધરતી તરફડતી હતી. એ બંને ભાઇઓ જોડે નિશાળે ગયેલી, પણ પછી રજા પડી ગઇ એટલે પાણી ડખોળતાં ત્રણેય ઘેર પાછાં આવેલાં.

મેં કહેલું કે આજ છોકરાંવને ના મોકલશો, એક દાડામાં એવું તો શું ભણી કાઢવાનાં હતાં! આટલાં પાણીમાં બાપડા સાવ પલળી ગયાં….’ બાપુજી પર બાએ ઉકળાટ ઠાલવેલો. પછી તુલસી-ફૂદીનાવાળી ચા બનાવેલી અને જોડે વઘારેલા ગરમગરમ મમરા…..કોરા ટુવાલે બાએ ભારથી માથું ઘસી આપેલું, ‘પાણી પચી જાય તો શરદી લાગી જાયએવું બોલતાં બોલતાં. વરસાદ તો આખી સાંજ વરસતો રહ્યો પણ ઘરમાં બહુ સરસ લાગતું હતું. એકદમ હૂંફાળું હૂંફાળું. ભીંતો તો પાણી પીને પોચી વાદળી જેવી થઇ ગઇ હતી. છતાંયે ક્યાંકથી ગરમાવો લાગતો હતો. એ ભરત અને નયન જોડે બહાર જતી ને પાછી અંદર ભરાઇ જતી. અગાશીમાંથી ધોધવો પડતો હતો તેની છાંટી ગાલ-આંખ પર ફરફરતી હતી. ભરત-નયનની કાગળની હોડીઓ પાણીમાં ઊંધી વળી જતી હતી. બાપુજી આરામથી વાંચતા હતાં, રાતનાં જમવામાં બા કાંદાવાળી વઘારેલી ખીચડી બનાવતી હતી. મોડી મોડી કળીઓ બેઠેલી એવા મોગરાનું એક ફૂલ એણે હાથમાં રાખી મૂકેલું, તે દિવસનું સુખ પણ એ મોગરાના ફૂલ જેવું મહેક મહેક…….. બા ભરત નયનની જોડે જ રહેતી એને ઘેર આવતી નહિં. છોકરીને ઘેર રહેવાય નહિ, બાની કાયમી દલીલ……

પણ મેં લગ્ન કર્યા નથી છોકરાની પેઠે જ નોકરી કરું છું. મારું પોતાનું ઘર, સગવડ છે, પછી મારે ત્યાં કેમ નહિ ?’ એ જીદ કરતી. બા પાસે હાથવગાં બહાનાં. ભરતનાં છોકરાંને કોણ રાખે, નયનની તબિયત બરાબર નથી રહેતી, બાપુજીને અહીંની હવા માફક આવે છે, એવું એવું તો કેટલુંયે એની પાસે હાજર હોય. બા કદી એની આંખમાં આંખ પરોવી વાત કરતી નહિ.

ભરતનયનની વાત જુદી. એ બંને એમના સંસારની નાની-મોટી વળગણોથી મુશ્કેટાટ બંધાયેલા, પોતપોતાનાં કુટુંબની ઉપાધિઓથી લથપથ બાને માટે એ લોકો પાસે સમય ન હોય, એટલે જ બા એમની સાથે સુખથી જીવી શકે. નાની ટીનુ કે વાસવને પરી અને રાક્ષસની વાર્તા કહી શકે, કથામાં જઇને પોતે બહુ સુખમાં છે અને નિરાંતે દિવસો કાઢે છે એવું બતાવી શકે.
મારે આમેય શું કામ છે હવે? ભગવાનનું ભજન ને આ બાળગોપાળની સેવા, વખત સરસ મઝાનો નીકળી જાય. તું નોકરીએ જાય પછી હું એકલી ભૂત આખો દહાડો શું કરું?’ બાકી ભરત-નયન જોડે રહેવાનું શી રીતે ગમે એને? બેય ટાઢાંબોળ, બા જોડે ઘડી બે ઘડી બેસે એવા નહિ. ને આમ પાછા લવિંગયા-ફટાકડાની લૂમ જેવા, અને છતાં બા-

એ બપોરે પણ વરસાદ ઝળૂંબી રહેલો. સવારે તો મઝાનો તડકો, પીગળેલા સોના જેવો. એકાએક આકાશમાં કાળાકાળા પહાડ ફૂટી નીકળ્યા.
વૃંદા, કપડાં લઇ લે બહારથી. આ તો હમણાં તૂટી પડવાનો…….’
બાની બુમથી એ બહાર ગઇ ને હવામાં ફરફરતાં કપડાં માંડ એકઠાં કર્યા. બા જૂનું કબાટ ખોલીને બેઠી હતી. પીળા પડી ગયેલા ફોટાઓ, વર્ષોની વાસ સંઘરીને બેઠેલાં કપડાંઓની થપ્પીઓ, કાટવાળી ડબ્બાઓ, કોઇ લગ્ન પ્રસંગે થયેલા ચાંલ્લાની યાદી, જૂના હિસાબની ફાટેલી ડાયરીઓ, સારા કે માઠા પ્રસંગે બજારમાંથી મંગાવેલી ચીજવસ્તુઓની નોંધ, ઝાંખાઝાંખા અક્ષરોવાળા કાગળોએને રસ પડ્યો અને એ ત્યાં જ બેસી પડી.
બે ચાર ચોપડીઓ પણ નીકળી, બાપુજી ભણતા હશે ત્યારની હોવી જોઇએ. શેક્સપિયરનાં નાટકો ય નીકળ્યાં, રોમિયો જુલિયેટ, હેમલેટએણે આમ જ પાનાં ફેરવ્યાં, સાવ બેધ્યાનપણે. અને નાનો ફોટો સરી પડ્યો. એક સાવ અજાણ્યો પણ અત્યંત સુંદર ચહેરો એની સામે હસી રહ્યો હતો. આટલું બધુ રૂપ લઇને આ કુટુંબમાં કોણ આવ્યું હશે? બા કદાચ ઓળખતી હોય એવું ધારી એણે ફોટો બા સામે ધરી દીધો. આ કોણ છે, ઓળખે છે?’
આ તારા બાપુજીનું લગન વખતનું પીતાંબર હજી કેટલું સરસ…’ બા બોલતી હતી અને ફોટો જોઇને તરત અટકી ગયેલી.
નથી ઓળખતી તું ?’ બાને ચૂપ જોઇને એને થયું કે આ કદાચ કોઇ અપરિચિત વ્યક્તિ હશે. એ ક્ષણે બાજી આખેઆખી બાના હાથમાં હતી. જો એણે કહી દીધું હોત કે હું આ ફોટાને ઓળખતી જ નથી તે બધું ત્યાં અટકી ગયું હોત પણ બાથી એમ થયું નહિ. વર્ષો સુધી એક ખૂણે દાટી રાખેલી એક નાનકડી વાત કહેવાની એને ઇચ્છા થઇ આવી હશે. જો કે ત્યારે ય એનો અવાજ સહેજ પણ કંપ્યો નહોતો.

એ પુષ્પાનો ફોટો છે. તારા બાપુજીને પુષ્પા જોડે પરણવું હતું. ગાંડપણ વળગેલું તે વખતે, બહુ ધમાલ ધમાલ થયેલીપણ મોટા દાદાએ થવા ન દીધું. હશે કંઇ કારણ, પણ એને પરણાયું નહિ તે નહિ….’
એ બાની સામે સ્તબ્ધ બનીને જોઇ રહેલી.
મને ખબર હતી મેં તો ચોખ્ખું કહેલું કે જે માણસને મારામાં રસ નથી એનાં છોકરાં મારે ન જોઇએ, એ ભાર વેંઢારવો નથી મારેબહુ ઝઘડા ચાલ્યા એ બાબત, બાવી બની જાઉં એવું થતું એ દિવસોમાં; પણ પછી તો ભરતનો જનમ તે પછી……’ બા ના શબ્દો તૂટી જતા હતા…..‘તેમાંયે તારા જનમ વખતે તો એટલો કલેશ હતો જીવન કે –’ બાએ વાત પૂરી ન કરી. એણે કંઇ પૂછ્યું પણ નહિ. અનાયાસે જ ધગધગતી રેતીમાં પગ પડી ગયા હતા.

બારી બંધ કર પેલી, એ બધું પલળી જશે.અને એ બારી બંધ કરવા ગયેલી ત્યારે બહાર કશું દેખાતું નહોતું. એકધારા વરસાદે આસપાસની દુનિયા સાવ જ ઢાંકી દીધેલી. એ ભીંજાયેલી બપોર પછી જીવન જરા બદલાઇ ગયું હતું. ત્યાર પછી બા ક્યારેય એના મોં સામે જોઇને, આંખમાં આંખ પરોવીને વાત કરતી જ નહોતી. એ કોઇક વાતથી ડરતી હતી, કંઇક કહેવાનું ટાળતી હતી. બાને જે ભય હોય તે, એને તો ખબર જ હતી કે આવી વાત કોઇને કહેવાય નહિ. પુષ્પાને બાપુજી ન પરણી શક્યા તે તો જાણે ઠીક એવું તો બન્યા કરે, પણ ભરત-નયન અને એ પોતે બધાં જ આમ આવી ચડ્યાં આ પૃથ્વી પર સાવ વણમાંગ્યાં, વણજોઇતાં. દેવનાં દીધેલ અને માગીભીખેલ, એવું તેવું કશું જ નહિ. કાળી બળતરામાં અને ભયંકર અણગમામાં આ બીજ રોપાયેલાં. કદાચ બાનું ચાલ્યું હોત તો એણે ફૂટેલા અંકુર સુદ્ધાં ખેંચી બહાર ફેંકી દીધા હોત. નરી લાચારીએ એને રોકી રાખી હશે ને એટલે જ ભરત-નયન અને વિષવેલ જેવી એ પોતે અહીં ઊછરી શક્યાં.

નયન-ભરતને આ વાતની સમજ ના પડે. નયન કેતકીના પ્રેમમાં ને પાછો. તાજો તાજો પ્રેમ એટલે કેતકીની પાર બીજું કંઇ દેખાય નહિ. ભરત પૈસાના પ્રેમમાં ને એ ય નવો નવો પ્રેમ એટલે ભાન ખોઇ બેઠેલો. બેમાંથી કોઇને કશું કહેવાય નહિ. બાએ નાછૂટકે ભાર વેંઢારેલો એ ત્રણેયનો. સહુથી વધારે એનો, કારણકે એ ત્રીજી, બાની તીવ્ર અનિચ્છા છતાં જન્મેલી, માથે પડેલી છેક જ અણગમતી. એ અણગમાનું ઝેર પોતાના લોહીમાં ભેળવીને જ અવતરેલી. જન્મીને એ રડી હશે ત્યારે બાએ કેવી ધૃણાથી એની સામે જોઇને નજર ફેરવી લીધી હશે….

નહોતુ સમજાતું એવું હવે બધું સમજાવા લાગ્યું હતું. બાપુજીની હાજરીમાં બાનું ભારે ભારે મૌન, ઘરનું ઉદાસ વાતાવરણ, તિરસ્કાર અને કંટાળાની વાસી લાગતી હવા, ક્યારેક છૂટક છૂટક શબ્દોમાંથી ભોંકાતા ક્રોધ ! એટલે જ પેલી વરસાદી સાંજ એની સ્મૃતિમાં લપાઇને બેસી રહી હતી. સુખની એવી ક્ષણો એની પાસે ઝાઝી ક્યાં હતી ? આખી દુનિયા પ્રલયમાં ડૂબે. પણ એનું ઘર આવું જ સુરક્ષિત, હુંફાળા સુખમાં એને ઢબુરી દેતું અડીખમ ઊભું રહેશે ત્યારે એને એવું લાગેલું. અને માથામાં ફરતી બાની એ આંગળીઓ, હથેળીમાં મઘમઘતું મોગરાનું નાનકડું ફૂલ, આંખ ને ગાલ પર ઠંડા પાણીની ફરફરસુખની આ પરિપૂર્ણ ક્ષણ એને એવી તો વળગી રહી કે આકાશમાં વાદળ ઘેરાતાંની સાથે જ એ તાજી થઇ ઊઠતી.

આજે પણ એવો જ વરસાદ. ફોન ચાલે નહિ. કોઇક ઓળખીતાની દુકાને નયને ફોન કરીને એનું એડ્રેસ અને સંદેશો આપ્યો. ડૉર-બેલ વાગ્યો ત્યારે આટલા વરસાદમાં કોણ આવી ચડયું હશે એની વિમાસણમાં એ હતી. દદડતી છત્રી બાજુ પર પકડી રાખી એ અપરિચિત માણસે પેલો સંદેશો આપ્યો. કંઇ સંતાડેલુ નહિ સંદેશામાં. નયન આવી વાતમાં એક્દમ સ્પષ્ટ અને વહેવારુ. સીધી જ વાત કે બા સવારે ગુજરી ગઇ છે, અને બપોરે લઇ જવાનાં છે. તમારી રાહ જોવાય છે. બા વળી ક્યે દિવસે એની વાટ જોતી હતી? ……..તરત જ નીકળવું પડ્યું. ગાડીઓનાં ઠેકાણાં નહોતાં. મોડી જ પહોંચ. પણ સામે જ એની વાટ જોઇ સહુ બેઠેલાં. ત્યાં ય થોડો થોડો વરસાદ હતો જ.

જમીન પર બા સૂતેલી. બાપુજી, ભરત-નયન, ભાભીઓ બધાં એકદમ સ્વસ્થ. ઉંમરે ગઇ બા, પાકું પાન કહેવાય. કોઇએ કોઇને આશ્વાસન આપવા જેવું હતું જ નહિ એ હળવેથી બા પાસે બેસી ગઇ ઠંડા ચહેરા પર, આંખ અને ગાલ પર હાથ ફેરવી લીધો. બાની આંગળીઓ એકદમ અક્ક્ડ થઇ ગઇ હોય એવું લાગતું હતું.
વરસાદ વધી ગયો છે, થોડી તકલીફ તો પડવાની જ આપણને.બાપુજીનો ઘોઘરો અવાજ.
કલાકેકમાં અટકી જાય તો સારું, બાકી એ તરફ રસ્તા ઘણા ખરાબ છે એટલે વાહનો લઇ જવામાં મુશ્કેલી.નયનનો અવાજ.
રસ્તે પાણી ખૂબ ભરાય છે. મારો તો તાજો જ અનુભવ છે. હમણાં ચારેક દિવસ પહેલાં જ….ખાડા એટલા બધા છે કે મોટરો અટકી જ જાય કોઇક અજાણ્યું.
પછી વાતચીતે અટકી ગઇ. બાને લઇ જવાની એ બધા રાહ જોઇ રહ્યાં હતાં.
સંદેશો બરાબર મળી ગયેલો ?’ નયને ઠેઠ એના કાન પાસે આવી પુછ્યું. એણે ડોકું હલાવ્યું. શું થયેલું એમ પૂછવાની એને જરૂર ના લાગી. છતાં કહેવું જ જોઇએ એવા ફરજના ભાવથી ભરતે વિસ્તારથી બધું કહ્યું. બા ક્યારે જાગી, પછી કેવી ફરિયાદ કરી, કેટલી ઝડપથી ડૉક્ટર આવ્યા અને છેવટે -
કઇ ગાડી મળી તને?’ બાપુજીએ એક્દમ વહેવારુ પ્રશ્ન પૂછ્યો.
આ કોઇની વાતો સાથે એને સંબંધ જ નહોતો. બાના શાંત ચહેરાને એ ધ્યાનથી જોતી રહી. ભલેને બાને માટે એનો જન્મ ઉત્સવ નહોતો. એ છેક જ વણજોઇતી આવી પડી હતી આ ઘરમાં, છતાં વરસાદનો પેલો દિવસ, એ દિવસની પેલી ખોબા જેવડી ક્ષણો સાવ સાચા સુખથી ભરેલી હતી. પાણી ભર્યા તસતસતાં વાદળ જેવી જ ફરી ફરીને એ ક્ષણોને સૂંઘવાનું ગમતું હતું, એમાંથી પેલો મોગરો ફોરતો હતો. એ કડાકાભડાકા અને નજરથી પકડાય નહિ એવી વીજળીની દોડાદોડ. વૃક્ષો પર ઝીલાતી ને નીચે તૂટી પડતી પાણીની અખંડ ધારા રસોડાની માણવી ગમે એવી હુંફમાં બેઠેલી બા. આમ આવ, તારા વાળ કોરા કરી આપું. નહિ તો શરદી લાગી જશે……’ એ પળો એક્દમ નક્કર. એમાં કશું આભાસે નહિ. જો બનાવટ હોય તો બાની આંગળીઓમાં એટલી ઉષ્મા હોય જ નહિ. આટલું બધું સુખ આપવા માટે બાનું ઋણ સ્વીકારવું રહ્યું. બીજું કોણ એવા નિતાંત આનંદની ક્ષણો એને આપી શકે એવું રહ્યં હતું હવે ?

સાવ નાની છોકરીની પેઠે એ બાને વળગી પડી. હવે વરસાદના દિવસોમાં એનું પોતાનું કહેવાય એવું કોઇ રહ્યું નહિ.

Tuesday, 22 September 2009



આસમાની

-રમેશ ર. દવે

આજકાલ કંઈ બહુ ગુમસૂમ રહો છો!
એમ ?’
કોઈ ચિંતા કરતું હોય ત્યારે સામો સવાલ પૂછવાનો ?’
ના, સૉરી…. પણ….’
પણ શું ? ડાઈનિંગ ટેબલ પર કે રાતે ટીવી જોતાં ત્રણચાર દિવસથી તમારી ચટાકેદાર, ડૉલી જેને અફલાતૂન કહે છે એ કૉમેન્ટ્સ સાવ બંધ છે ને સૂતી વખતે પણ નિસાસા…..’
હાપણ એ તો….’
હોય એમ જ ને ? હોય એની તો હુંય ક્યાં ના પાડું છું. માણસ છીએ એટલે…. પેલી નાટકમાં ગવાતીતીને એ ગઝલ એક સરખા દિવસો…’ વારાફેરા તો આવે પણ જે કંઈહોય એનુંય કોઈ ને કોઈ કારણ હોય અને જો કારણ જાણવા મળે તો એને થઈ શકે એમ હોય તો દૂર પણ કરી શકાય…..’
બ્રેવો! તેર તાળીનું માન. શું લાજવાબ એનાલિસિસ થયું છે ! લૉજિક કોણ ભણાવતું હતું ? કેટલા માર્ક્સ આવતા હતા ?’
ના, મન ન હોય તો ભલે ન કહેશો પણ એમ ખોટાં વખાણ કરીને ચણાના ઝાડ પર ચડાવીને વાતને આડે પાટે ન ચડાવશો.
ન કહેવાનું તો શું હોય ને વાતને આડે પાટે પણ શું કામ ચડાવું ? તારાથી કદી છાનો શ્વાસ પણ લઈ શકાય એવું ક્યાં રહ્યું છે ? પરણ્યા પછીની જિંદગી તો તેં તારી આંખે જ જોઈ છે ને એ પહેલાંની….’
રજેરજ તમે કહી છે ! એટલે તો કહું છું, હાલ મન ન વધતું હોય તો કંઈ નહીં; કાલ-પરમ દિવસે, નિરાંતે પછી કહેજો. પણ મને તો એમ થાય કે પથારીમાં પડતાંવેંત પડખું ફર્યા નથી ને તરત સૂઈ જનારા આ ભલા માણસ મણ મણના નિસાસા કેમ મૂકે છે, એટલે યાદ રાખીને પૂછ્યું !
કેટલા વાગ્યા હશે ?’
કેમ ? ક્યાંય જવાનું છે ?’
અગિયાર તો થયા હશે ને ?’
અરે હોય ? સાડા અગિયારે તો હું આવી ટીવી બંધ કરીને. ઓછામાં ઓછા પોણાબાર તો થયા જ હશે.
ત્યારે હવે રહેવા દે. ચાલ, પીઠ પંપાળી દે ઘડી વાર એટલે ઊંઘ આવી જાય !
વાંસો તો પંપાળું પણ રહેવા નથી દેવું. શું કહેતા હતા ? કહો જોઉં !
એક કાગળ આવ્યો છે. પણ અત્યારે વાંચીશ તો અમસ્તી તારીય ઊંઘ ઊડી જશે. સવારે વાત…’
ના, સવારે તો ઊઠતાંવેંતે હું ચકરભમરડી હઈશ બાર વાગ્યા સુધીક્યાં છે કાગળ ? કોનો છે ?’
યાદ નથી; કદાચ ઑફિસમાં જ હશે, વનિતાની કોઈ શામલી કરીને પુત્રવધૂ છે. પાછું હવે એ ન પૂછતી શું કામ લખ્યો છે !
તમને જુઠ્ઠું બોલતાં કદી આવડ્યું છે ? આવો કાગળ તમે કદી ઑફિસમાં મૂકતા હશો ? વાંચવા જેવો ન હોય તો કંઈ નહીં શું કામ ને શું લખ્યું છે એ કહી દો એટલે મને નિરાંત થઈ જાય ને તમને ઊંઘઆવી જાય….’
ના, એ કરતાં તો તું જ વાંચ. જો, બ્રીફકેસમાં આસમાની રંગનું કવર છે, જડશે ને ?’
તમે જડી ગયા છો આવા સારા ને પાછા પૂછો છો…..’
હા, હું બહુ સરસ છું એ તો પીઠ ખણવાખંજવાળવાનું કોરાણે મૂકીને આ ચાલ્યા એનાથી જ પરખાઈ આવે છે. પણ જો સાંભળ, અત્યારે માત્ર પત્ર વાંચવાનો જ હંજોકે એય ખાસ્સો લાંબો છે ને સાંભળ, પેટાપ્રશ્નો ને સલાહસૂચનો વગેરે વગેરે બધું કાલે; બરાબર ?’
યસ સર !કહેતાં કૌશલ્યાએ બ્રીફકેસ ખોલી કવરમાંથી પત્ર કાઢીને મનવંતરાયના હાથમાં મૂક્યો.
વાહ ! શાં આજ્ઞાંકિત છે અમારાં….’
એ તો છીએ જ ને ?’
મનવંતરાય ઘડીપળ કૌશલ્યાના રૂપેરી થઈ રહેલા વાંકળિયા વાળને તાકી રહ્યા પછી પત્ર લંબાવ્યો. કૌશલ્યાએ ટયૂબલાઈટ બંધ કરી રીડિંગ લૅમ્પ કર્યો અને પત્ર પર નજર કરતાં કહ્યું : અક્ષરો હજુ કાચા છે, શામલી નાની લાગે છે…’
હા પણ અક્ષરો જ. પર્સનાલિટી તો…. પણ એ તો તું પત્ર વાંચશે એટલે તને….’ મનવંતરાયનું વાક્ય અધૂરું રહ્યું ને કૌશલ્યા પત્રમાં પહોંચી ગઈ

આદરણીય મુરબ્બી શ્રી મનવંતરાયજી,
શામલીના સાદર પ્રણામ. આટલું વાંચતાં તમને થશે કે આ ઓળખાણ-પિછાણ વિના સાદર પ્રણામ કરવાવાળી શામલી વળી કોણ છે અને ક્યાંથી ફૂટી નીકળી ? આમ થાય એવો જ તાલ છે. એટલે બીજું કંઈ લખું કહું એ પહેલાં હું મારો પરિચય આપી દઉં : હું શામલી વિનાયક. એટલે તમારાં યુવાનીનાં બહેનપણી વનિતાજી એટલે કે અમારાં બાની પુત્રવધૂ…. સૉરી, માત્ર પુત્રવધૂ નહીં, બીજા નંબરની અને એટલે નાની પૂત્રવધૂ. વિનાયક મારા પતિનું નામ નથી. એમનું નામ તો મનીષ પણ વિનાયક એટલે અમારા દાદાજી. અમે બધાં આજે વિનાયક્ઝતરીકે જ ઓળખાઈએ છીએ. આટલું વાંચ્યા પછી, ધારું છું કે વાયા વાયા પણ ઓળખાણ પડી હશે. તેમ છતાંય જો કંઈ યાદ ન આવતું હોય આવ્યું હોય તો બાએ મહામહેનતે સમજાવ્યું છે કે મારે તમને એમની ઓળખાણ આપવા માટે તમારા હોમટાઉનના રેલવે સ્ટેશનની સામે આવેલા શિવાલયના મોટા બધા મેદાનમાં એક જ લાઈનમાં ઊભેલાં કૈલાસનાં ત્રણ ઝાડ અને એનાં, અદ્દલ શિવલિંગ અને એના થાળા જેવા ફૂલની યાદ અપાવવી. આ વાત વાંચ્યા પછીય જો તમને કંઈ યાદ ન આવે તો બાએ લખાવ્યું છે કે આ પત્ર આગળ વાંચવાની જરૂર નથી. કૃપા કરીને એને ફાડીને ફેંકી દેજો. જોકે હું ધારું છું એમ નહીં જ થાય. પહેલા પરિચય-પ્રેમની કેટકેટલી નજીવી વાતો પણ….

છોકરી જબરી સ્માર્ટ છે!કૌશલ્યાથી બોલી જવાયું. મનવંતરાય મરક મરક હસતા રહ્યા.

‘….તો હવે આ પત્ર લખવાનું કારણ જણાવું? અમારાં બાએ સંથારો કર્યો છે. ના, અમે જૈન નથી. પણ માણસ જાતે ચાહીને દેહ છોડવાનું નક્કી કરીને ખોરાક લેવાનું બંધ કરી દે એને સંથારો જ કહેવાય ને ? મેં બાને આ શબ્દ કહીને પૂછ્યું તો એમણે શું કહ્યું, ખબર છે ? બા કહે : બેટા, સંથારો તો સાધુસંતો કરે અને એય કંઈ મારી જેમ થાકી-હારીને નહીં; સાવ સાજાસારા સમાધિ લે ! જ્યારે હું તો….’ કહેતાં કહેતાં એમની આંખો ઊભરાઈ ગઈ હતી ને મેં આંસુ લૂછતાં વાર કરી હતી. રડવું આવે તો ભલે રડી લે. મને રડી શકનારા માણસો ગમે છે, પણ બા હવે થાકી ગયાં છે. ચાર વર્ષથી સતત બેડરિડન છે. મેં હમણાં કહ્યું નહીં, આંસુય આપણે લૂછીએ તો લુછાય, પૅરૅલિસિસ. બસ, એક હૈયું સાબૂત છે ને આ કાગળ છે એનો પુરાવો. જોકે વાતો તો કરે પણ એ મને અમને ટેવવાળાને જ સમજાય. એક દિવસ અમે બે એકલાં જ ઘેર હતાં. હું શિવાજી સાવંતની નવલકથા મૃત્યુંજયવાંચી સંભળાવતી હતી. ઘરનાં સૌને કંઈ કામધંધો છે ! હું એક જ ખાલી છું. મને ઘર ગમે છે. બાનું કંઈ કામ ન હોય તો ઘરનાં બેચાર કરવાં જેવાં કામ પણ કરી લઉં. એ પછી હું બાની સાથે અને એમની આસપાસ…. કહેવા જતી હતી, પડછાયાની જેમ પણ પથારીમાં સૂતેલા માણસનો પડછાયો ક્યાં પડે ? બીમારીની વાત જ એવી…. રાતે બાની બીજી બૂમેય બાપાજી ન જાગે તો હું અમારા રૂમમાં સડાક કરતી બેઠી થાઉં પણ મનીષ મને વારે ! હા, પણ હું વાત કરતીતી બાએ મને વાંચતી અટકાવીને પૂછેલા પ્રશ્નની :
શામલી, બેટા, મારું એક કામ કરીશ !
આમ પૂછો છો કેમ ?’
કામ એવું છે ને, એટલે…’
તમારું કયું કામ; ક્યારે નથી કર્યું ?’
બધું જ કરે છે ને તોય કામ જાણ્યા પછી ન ગમે તો તું ના પાડીશ તો મને ખોટું નહીં લાગે; તું તારે…’
પણ એક વાર તમે કહો તો ખરાં !
એમ ઝટ દઈને કહેવાય એવી વાત નથી શામલી !
સંથારે સૂતાં છો બા તોય….’
માણસનું મન બહેન, બીજું શું ? તારી વાત સાચી છે. પરવારી જવા બેઠી છું ને છતાં.. પણ જવા દે, તું સાચું કહે છે એવો મોહ આ અવસ્થાએ…’
ના, ના મારું એમ કહેવું નહોતું. મેં તો કહ્યું કે તમારે વળી, સારી ને નરસી એવી વાત શી હોય ? તમારે તો મનમાં આવે એ કહી દેવાનું, બીજું શું ?’
તોય શોભતી વાત શોભે !
ના, હવે તો કહેવું જ પડશે. લો, હાથમાં હાથ મૂકીને કહું છું કે ઘરમાં સૌથી નાની છું પણ તમે કહેશો તેમ કરીશ ને હકદાવે કરાવવું પડશે તો કરાવીશ પણ ખરી. જોકે બાપાજીએ તમારી કઈ વાત ટાળી છે ? આ સંથારાની જીદ તમે કરી તો એય બાપાજીએ હૈયું કઠણ કરીને હસતે મોઢે સ્વીકારી જ છે ને ? બાકી તમારા આ નિર્ણયથી એમનું હૈયું કેવું ભડભડ બળતું હશે એ તો તમારાથી વધારે કોણ જાણે ?’
એટલે તો વળી વળીને થાય છે કે રહેવા દઉં ! માણસ છું એટલે મન ગોથું ખાઈ ગયું પણ તું તારે આગળ વાંચ…’
ના, બા હવે ન કહો તો તમને મારા જ નહીં મનીષના સોગન !
સાવ ગાંડી છોકરી છો તું ! તારા પોતાના ઓછા હતા તે મનીષના સોગન દીધા ? તું કંઈ મારે મનીષથી કમ છે બેટા ?’
બસ ત્યારે, ડાહ્યાં થઈને મનની વાત કહો, પાછું હમણાં કોઈ આવી ચડશે….’
તારે એક કાગળ લખવાનો છે….’
મારે ? કોને ?’
કહું છું મનવંતને.
એ કોણ ? આપણાં શું થાય ?’
આમ ગણો તો કશુંય નહીં પણ આમ ગણો તો…. તો ઘણું બધું !
એટલે ?’
લુચ્ચી, જાણીકરીને પૂછે છે ને !
ચાલો, જાણી કરીને નહીં પૂછું; તમે જ કહો, કોણ આ મનવંતરાય ?’
છે નહીં, હતાં.
એટલે કે હાલ નથી એમ ?’
ભગવાન એમને સો વરસના કરે. એ તો એ બેઠા મજાના અમદાવાદ. પણ હવે એ આપણાં એટલે કે મારા કંઈ થતા નથી.
પણ પહેલાં તો કંઈક થતા હતા ને ? એ કહોને !
એમ બધું ફોડ પાડીને કહેવાની જરૂર છે ?’
ના, સમજાઈ તો ગયું છે પણ તમારે મોંએ સાંભળવું છે.
તુંય જબરી બલા છો, બીજું તો શું હોય ? અમે નક્કી કરેલું, લગ્ન કરીશું !

ઓહ માય ગોડ ! સંથારે સૂતેલી, લગભગ સાવ અપંગ થઈ ગયેલી સ્ત્રી આટલી સુંદર, મોહક લાગી શકે એ વાત, જો મેં જાતે વનિતાબાને જોયાં ન હોય તો માની જ ન શકત. કેવા કમનસીબ છો મનવંતરાય ? જોકે ના, કમનસીબ શેના ? મૃત્યુની રાહ જોવાની પળે વનિતાબા તમારું સ્મરણ કરે છે અને એ પણ કેવાં મુગ્ધ થઈને ! મીઠી અદેખાઈ આવે છે તમારી. પણ રહો, પહેલાં બાની વાત પૂરી કરી લઉં મેં પૂછ્યું :
તો હવે ?’
બસ, એક વાર જોવાનું મન થયું છે. તું એમને કાગળ લખીશ કે મળી જાય ઊભાઊભ ! મને થાય છે કે…’
સરનામું ?’
સરનામું તો….’
નથી ?’
સાવ એવું તો નહીં, અમદાવાદમાં ઑલ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીમાં મોટા ઑફિસર છે.
ઘરનું સરનામું નથી ?’
ના, એટલે તો કહું છું રહેવા દે !
અરે, હોતું હશે ? અમદાવાદ ક્યાં અમેરિકા છે ? જરૂર પડશે તો જાતે જઈને ખોળી કાઢીને લઈ આવીશ.
પણ તારા સિવાય કોઈને ખબર ન પડવી જોઈએ, હોં !
બાપાજી પણ નથી જાણતા ?’
ના, વીતી વાતોનો શો મોહ ?’
ને અત્યારે તમે કરો છો એ ?’
તું તો સ્ત્રી છે, મારી દીકરી….’ કહેતાં વનિતાબાની આંખો ફરી ચૂઈ પડી. પાલવથી આંસુ લૂછી એમની આંખો ચુમાઈ ગઈ મારાથી. પછી કહ્યું : હવે તમારે શાંતિથી મારો ખેલ જોવાનો. મારા દૂરના ફુઆ જે આફ્રિકાથી લંડન જઈને વસ્યા છે એ તમને વંદન કરવા આવશે, બરાબર ? પણ બા, હું એમને ઓળખીશ કઈ રીતે ? કોઈ ફોટોગ્રાફ, ચહેરા પર દેવદાસે પારુને કરી આપી હતી એવી કોઈ નિશાની ?’
એ સવાલ તો મનેય થયો હતો પણ અમારા જમાનામાં ફોટાની તો વાત જ ક્યાં હતી ? અને પચાસ વર્ષ પહેલાંની વાત….. એ કેવા લાગતા હશે કેમ કરીને કહું ? અને શામલી, મૂળ વાત તો હુંય એમને યાદ રહી હઈશ ખરી ? જવા દે ને દીકરા, આ બધું !
ના, મને માત્ર એટલું કહો, કપડાં કેવા પહેરતા ? આઈ મીન ફેવરિટ રંગ કયો ?’ તમે નહીં માનો પણ બાની આંખોમાં તેજ છવાયું અને એમણે કહ્યું : એમનો નહીં પણ મારો ગમતો રંગ આસમાની; એ રંગનું શર્ટ એમને ખૂબ ફળતું-શોભતું !
ધેન ઓકે ! નાવ ડોન્ટ વરી. તમારા મનવંતરાય ઉર્ફે મારા દૂરના વિદેશવાસી ફુઆજી આસમાની રંગનું શર્ટ પહેરીને તમને મળવાનોનો.. તમને વંદન કરવા આવે છે, બરાબર ?’
તારો આ ઉપકાર, આમ સંથારે સૂતી છું ને કહું છું ખોટું નહીં બોલું આ ઉપકાર ફેડવા તારી દીકરી થઈને અવતરવું પડશે શાલુ બેટા !
તો પછી શાલુ બેટા શેનાં કહો છો ? આજથી જ પ્રેક્ટિસ શરૂ કરી દો આઈકહેવાની; શામલી આઈ ! ખોટું કહું છું ?’

તો મનવંતરાયજી સમજાઈ ગયું ને આ પત્ર લખવાનું કારણ ? અને આવો છો ને ? તમારા આવવાનાં તારીખ, સમય, મને મારી બહેનપણીનાં કાગળના અંતે લખેલા સરનામે, તમારે તમારા ઑલ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીના ખાખી કવરમાં જણાવવાનાં અને ઘેર આવો ત્યારે યાદ રાખીને અચૂક સ્કાય બ્લ્યૂ એટલે કે આસમાની રંગનું શર્ટ, બાની પસંદગી મુજબનું અને સફેદ પેન્ટ મારા સંકેતો માટે પહેરવાનાં, બરાબર ? આટલું ભૂલ્યા વિના કરજો નહીંતર એંધાણી વિના હું ક્યાંક આંધળે બહેરું કૂટી મારીશ !

તો, તમે આવો છો મનવંતરાય. જોકે આમ, મનવંતરાય મનવંતરાયજી લખું છું કર્યા કરું છું એ ફાવતું નથી. તમને તમારાં સંતાનોનાં સંતાનો શું કહે છે ? દાદાજી ? તો દાદાજી તમારા પગે મારા હાથ મૂકી, એને વળતાં આંખ-માથે અડાડીને માગું છું, તમે આવશો ને ? બાને ખાતરજોકે હવે તો મનેય તમને જોવાનું-મળવાનું બહુ મન છે; અને હોય જ ને ? તમે મારા દૂરના પણ ફુઆ થાઓ છો ! ફોઈને જાણ્યા-જોયા વિના આ સંબંધ…. પણ મેં એમને જોયા તો ક્યાંથી હોય ? ખુદ બાનેય એમના નામની ખબર નથી પણ એ અજાણ્યાં ફોઈને, આમ, ગાંડી વાત લખનારી ગાંડી ભત્રીજીનાં પ્રણામ કહેશો ને ? કાગળ સડસડાટ લખ્યો છે લખાયો છે. મૂળે વાત જ એવી છે કે કદાચ મોં-માથું મેળમાં ન હોય તો તમે ધડ બેસાડી લેજો. હા, બાનો એકેએક શબ્દ યાદ રાખીને ટાંક્યો છે. મૂળ વાત તો એમની જ છે ને ? એમની આવી, ચાહવી ગમે એવી અંતિમ ઈચ્છા હું આ કાગળ લખીને તમને પહોંચાડી શકી હોઉં તો ભયો ભયો. ઘરમાં અન્ય સૌને ઘટિત. પત્રમાં ઘર અને ઑફિસના ફોન નંબર પણ ભૂલ્યા વિના લખશો ને ?

-તમારી શામલીનાં ફરી સાદર પ્રણામ.

મારી બહેનપણીનું સરનામું :
કુસુમ કુલકર્ણી
2/21
બીચક્વીન એપાર્ટમેન્ટ્સ,
35/
બી આઝાદ રોડ, જૂહુ. મુંબઈ-4000049.

કૌશલ્યાએ પત્ર પૂરો કરી મનવંતરાય સામે જોયું. એમની આંખોમાં આતુરતા હતી પણ એને વારી લેતી સ્વસ્થતાથી એમણે પહેલાં કૌશલ્યાના વાળની લટને કપાળ પરથી સહેજ આઘી કરી અને પછી રીડિંગ લેમ્પ બંધ કર્યો.
* * * * *

વળતી રાતે ફરી રીડિંગ લૅમ્પ થયો અને કૌશલ્યાએ ફરી પત્ર વાંચતાં વાંચતાં પૂછ્યું : આમાં સૌથી વધારે સરસ વાત કઈ છે ?’
એટલે ?’
એટલે એમ કે કયો ફકરો સૌથી વધારે ગમે છે ?’
પણ એનું શું કામ છે ?’
એક વાર કહો તો ખરા !
મનવંતરાયે પત્ર હાથમાં લીધો અને આમતેમ નજર કરતાં કરતાં, પાનાં ફેરવતાં છેલ્લા પાને અટકી જઈ, ઊંડાં શ્વાસ લઈ વાંચ્યું : તમને તમારાં સંતાનોનાં સંતાનો શું કહે છે ? દાદાજી ? તો દાદાજી તમારા પગે મારા હાથ મૂકી, એને વળતાં આંખ-માથે અડાડીને માગું છું, તમે આવશો ને ? બાને ખાતર…’
સરસ છે ! હવે મને કયો ફકરો વધારે ગમ્યો એ કહું ?’
મનવંતરાયે હકારમાં પોપચાં ઢાળ્યાં પછી પત્ર કૌશલ્યાને આપીને ઉત્સુકતાથી જોઈ રહ્યા. કૌશલ્યાએ પત્રની ગડી વાળી એને ઓશીકા નીચે મૂકી મનવંતરાય સામે અપલક જોઈ કહ્યું : મને તો ગમે છે આ વાક્ય….: અમે નક્કી કરેલું, લગ્ન કરીશુંઅને એ વાક્ય બોલાયું એ સમયની વનિતાની મન:સ્થિતિનું શામલીએ કરેલું વર્ણન : ઓહ માય ગોડ ! સંથારે સૂતેલી, લગભગ સાવ અપંગ થઈ ગયેલી સ્ત્રી આટલી સુંદર, મોહક લાગી શકે એ વાત, જો મેં જાતે વનિતાબાને જોયાં ન હોય તો માની જ ન શકત. કેવા કમનસીબ છો મનવંતરાય ? જોકે ના, કમનસીબ શેના ? મૃત્યુની રાહ જોવાની પળે વનિતાબા તમારું સ્મરણ કરે છે અને એ પણ કેવાં મુગ્ધ થઈને ! મીઠી અદેખાઈ આવે છે તમારી !
એ પણ સરસ છે. જોકે આમ તો આખો મર્મ જ…. પણ
પાછું પણઆવ્યું ? પણ શું ?’ કૌશલ્યાએ લુચ્ચું હસતાં વળતો પ્રશ્ન કર્યો.
બીજું શું આ પત્ર….’
પત્ર આખો સરસ છે, બીજું શું?’
ના, તું એમ મને વધુ મૂંઝવ નહીં; ચોખ્ખેચોખ્ખું કહી દે. મને કંઈ સૂઝતું નથી, એક બાજુ એમ થાય છે કે જવું જોઈએ પણ…..’

તમે પુરુષો આવી બાબતે કેમ કમઅક્કલ જ સાબિત થતા હશો? આમાં પણ ને બણની વાત જ ક્યાં છે ? આખી વાત દીવા જેવી સાફ છે. અને તમને ગમતા પૅરેગ્રાફ જ કહી દે છે કે તમારે જવું જ જોઈએ. ને છતાં તમે ન જવાના હો તો મને ગમેલા પૅરેગ્રાફની દુહાઈ દઈને કહું છું : તમારે જવું જ જોઈએ તમે નહીં જાઓ તો મને અજંપો રહેશે જીવનભર ને જશો તો તમને એક સારું, સરસ કામ કર્યાનો સંતોષ થશે. મને કંઈ આ આપણી ભત્રીજી શામલી જેવું કહેતાં માંગતાં ન આવડે પણ તમે જાઓ તો….’
પણ, આમ સાવ સંધ્યા ટાણે, કોઈના ઘેર સાવ અજાણ્યા….’
સંધ્યાવેળાનું તો મહત્વ છે અને સાવ અજાણ્યા તો તમે બીજા બધાં માટે ને ? વનિતાને કેવું સારું લાગશે ? અને આપણી શામલી ખરું નંગ છે એ પૂરી કાબેલ છે એના ઉપર જ છોડી દો ને કાગળ લખી દો, જો જો પાછા ફોન નંબર ભૂલતા નહીં; નહીંતર એનું સરનામું…. જોકે એની બહેનપણીનું સરનામું તો છે ને?’ – કહેતાં કહેતાં ઊભાં થઈ કૌશલ્યાએ કબાટ ઉઘાડી, બૉક્સ લઈ, બે હાથે મનવંતરાયની સામે ધરી હંમેશના આદેશાત્મક સૂરે કહ્યું : ખોલો ને જુઓ !

મનવંતરાયે સેલોટેપ ઉખાડીને બૉક્સ ખોલ્યું ને આભા બની ઘડી પળ કૌશલ્યા સામે, ઘડી પળ બૉક્સમાં જોઈ રહ્યા : ઝોડિયાકના આસમાની રંગના શર્ટના ખિસ્સામાં ભરાવેલા નાના એવા કાર્ડમાં લખ્યું હતું : વિથ બેસ્ટ વિશિઝ.’